અસાઈડ

સ્કીમ

“સાહેબ એક સ્કીમ છે !

૫ થી ૧૦ સેકંડ માટે શાંતિ,

આશ્ચર્ય ની સાથે વળતો સવાલ

શેની સ્કીમ ?

તમે ફલાણાભાઈ નું નામ તો સાંભળ્યું જ હશે ?.

ના, એ વળી કોણ ?

સારું જવા દો ! તમારા માટે નથી !

ઉભા રહો આવ્યા છો તો સ્કીમ તો સમજાવતા જાઓ.”

(સંવાદ કાલ્પનિક છે)

અને પછી લાલો લાભ માં ભરબજારે લુંટાય !

અંતે કંટાળી ને આ બ્લોગ અપડેટ આપી રહ્યો છુ.

કોઈ વ્યક્તિ તમને કલ્પવૃક્ષ બતાવે અને પછી ખબર પડે કે આપણી સાથે તો કલરકામ થયું છે ત્યારે કેવો આઘાત લાગે. આજે એક વ્યક્તિને મળવાનું થયું અને ધીમે ધીમે માહિતી નીકળતી ગઈ એના અમુક અંશો અહીં રજુ કરું છુ. દરેક વ્યક્તિને રૂપિયા કમાવા હોય છે અને એજ મહામેહનતે કમાયેલ રૂપિયા કોઈ બીજાના વિશ્વાસે મુકીદેનારા તમારામાંથી કેટલા હશે ખબર નહિ.

“અમે પુરા દસહજાર રોકેલા ફલાણાભાઈ ના વિશ્વાસે, વ્યવહારમાં પાક્કા તારીખ થાય એટલે એમનો માણસ વ્યાજ આપી જતો અને એ પણ “આટલા” ટકા દર મહીને. અને પછી સમાચાર મારફતે ખબર પડી એ ફલાણાભાઈ આટલા નું કરી ને ગયા.

શું વાત “આટલા” ટકા ? વર્ષના કેટલા થયા, આટલું તો બેંક પણ રીટર્ન નથી આપતી.

પછી સ્વબચાવમાં “છતાં એ ફલાણાભાઈ આટલું રીટર્ન આપીને ગયા”

પણ સાહેબ મૂળ તો આ ગુનો કેહવાય. અને જ્યાં ગુનો છે ત્યાં સુખ શાંતિ નથી.

પણ શું કરીએ જે થવાનું હતું તે થઇ ગયું.”

આમ ને આમ નાના રોકાણકારો ભોગ બનતા રહે છે. આવા ફલાણાભાઈ જેવા ઠગની રૂપિયા ડબલ કે ત્રિપલ કરવાની લાલચે રોકાણકારો આવા લોકોથી છેતરાય છે.

અરે પેહલા જુવો તો ખરા ગ્રાઉન્ડ રીયાલીટી શું છે, એ ફલાણાભાઈ કોણ છે એનો ઈતિહાસ શું છે, એ વ્યક્તિ શું કામ તમને આટલી બધી વસ્તુ કે લાલચ આપી રહ્યો છે. શું એ વ્યક્તિ સાચો છે કે ખોટો એની ઉલટતપાસ કરો. કઈ વાંધાજનક લાગે તો તેવા લોકોને રોકવા માટે યોગ્ય પગલા લો જેથી કરીને બીજા વધુ લોકો તેનો શિકાર ના બને.

સ્કીમ, સટ્ટો, જુગાર, ડબ્બો, વ્યાજખોરી અંતે લોકોના ઘર બરબાદ કરે છે. આવી વસ્તુથી દુર રહો અને આ દુષણ ફેલાવનાર લોકોની સર્જરી કરો.

શક્ય એટલું નાણાકીય આયોજન કરો, પોતાનો એક નાનો કે મોટો પોર્ટફોલિયો બનાવો, બચત કરો, પેટ્રોલ ઓછુ બાળો. અને અંતે યોગ્ય જગાએ લીગલ પ્રોડક્ટ્સ માં રોકાણ કરો.

અસ્તુ.

ઓપ્શન ટ્રેડીંગ સ્ટ્રેટેજી

આ બ્લોગ કોઈ નવા નિશાળિયાએ વાંચવો નહિ. જે ઓપ્સન ટ્રેડીંગ ના જાણકાર છે તેમના માટે જ લખેલ છે.

સ્ટોક માર્કેટમાં અને એમાંય ફ્યુચર ટ્રેડીંગમાં સૌથી વધુ લોકો ગોથા ખાય છે. હવે ફ્યુચર ટ્રેડીંગમાં પણ ઘણા પ્રકાર હોય છે એમાંથી ઓપ્શન ટ્રેડીંગનો આજકાલ ક્રેઝ વધુ છે, પણ એના માટે ઓપ્શન છે શું ? એને સમજવું જરૂરી છે.

શબ્દ પરથી જ ખ્યાલ આવી જાય, “ઓપ્શન” એટલે વિકલ્પ. ફ્યુચર ટ્રેડીંગને જેમ વાયદા કેહવાય તેમ ઓપ્શન ટ્રેડીંગ ને બજાર માં કોલ – પુટ ના નામે ઓળખાણ મળેલ છે. કોલ પુટ એટલે શુદ્ધ ગુજરાતી માં તેજી – મંદી, અથવા કોલ એટલે લેવું, ખરીદવું અને પુટ એટલે મુકવું અથવા વેચવું.

આમતો ઘણા ડેરીવેટીવ્સ એનાલીસ્ટ પાસે તેમની અલગ અલગ સ્ટ્રેટેજી હોય છે પણ મુખ્યત્વે ઓપ્શન ટ્રેડીંગ કરતી વખતે તમારે કોઈ ચોક્કસ સ્ટ્રેટેજી ઉપયોગ કરવી હિતાવહ છે.

બજારમાં મુખત્વે ૨૨ કરતા વધુ સ્ટ્રેટેજીથી કામ કરી શકાય છે પણ એમાંથી થોડીક જ ફાયદાકારક છે જે આજના બ્લોગમાં નોંધેલ છે.

ઓપ્શન ટ્રેડીંગ કરતી વખતે અમુક વસ્તુ નું ધ્યાન રાખવું જરૂરી છે, જેમાં ઇન્ડેક્ષ ઓપ્શન, સ્ટોક ઓપ્શન, બાયર, રાઈટર, કોલ ઓપ્શન, પુટ ઓપ્શન, ઓપ્શન પ્રાઈઝ / પ્રીમિઅમ, એક્શ્પાઇરિ ડેટ, સ્ટ્રાઈક પ્રાઈઝ, ITM , ATM અને OTM મુખ્યત્વે છે. (આ વાક્યમાં લખેલ અમુક શબ્દની સમજણ ના પડે તો તમારા બ્રોકરને પૂછવું).

નીચે અમુક સ્ટ્રેટેજી નો ઉલ્લેખ કરેલ છે જેમાં રોકાણ નું જોખમ મર્યાદિત છે જયારે નફા નો ગુણોત્તર અમર્યાદિત છે.

સ્ટ્રેટેજી ૧ : લોંગ કોલ ( કોલ ખરીદવો)

સ્ટ્રેટેજી ૨ : સિન્થેટીક લોંગ કોલ ( બાય સ્ટોક , બાય પુટ )
જયારે તેજીનો માહોલ હોય ત્યારે ઉપયોગી , એક બાજુ સ્ટોક ખરીદવા જયારે બીજી બાજુ જે સ્ટોક ખરીદ્યા છે તેના પુટ પણ ખરીદવા. આ સ્ટ્રેટેજી રોકાણ ના ઇન્સુરંસ જેવું કામ કરે છે તેમ કહી શકાય.

સ્ટ્રેટેજી ૩ : લોંગ પુટ ( પુટ ખરીદવા)

સ્ટ્રેટેજી ૪ : લોંગ સ્ટ્રેડલ ( એક જ વાયદા ના કોલ અને પુટ ખરીદવા )

સ્ટ્રેટેજી ૫ : લોંગ સ્ત્રેન્ગલ ( OTM પુટ ખરીદવા + OTM કોલ ખરીદવા)
OTM એટલે આઉટ ઓફ ધી મની ઓપ્શન.

નોંધ : જયારે પણ ઓપ્શન ટ્રેડીંગ કરો ત્યારે રિસ્ક કેટલું લઇ શકો છો તે જોવું , અને ખાસ ટાર્ગેટ અને સ્ટોપલોસ થી જ ટ્રેડીંગ કરવું.

અસ્તુ.

નાણાકીય આયોજન

આજના સમયમાં આયોજન દરેક પરિસ્થિતિ માં જરૂરી છે પણ એનાથી પણ વધુ મહત્વ નાણાકીય આયોજનનું છે. નાણાકીય આયોજન તેના વ્યુહાત્મક લક્ષ્ય અને હેતુઓ હાંસલ કરવા માટે તેમજ તે લક્ષ્યો કેવી રીતે સિદ્ધ કરવા તેના માટે કાર્ય કરે છે. સામાન્ય રીતે દરેક કંપની નાણાકીય યોજના બનાવ્યા બાદ તરત જ તેના અમલમાં લાગી જાય છે. દરેક કંપની કે બીઝનેસમેન પેહલા પોતાના લક્ષ્ય નક્કી કરે છે અને ત્યારબાદ આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે #AssetAllocation કરે છે. #AssetAllocation એક રોકાણપદ્ધતિ છે જે નાણાકીય આયોજન કરતી સમયે ઉપયોગી નીવડે છે.

નાણાકીય આયોજન માં અમુક પ્રવૃત્તિ નો સમાવેશ કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે બીઝનેસ વાતાવરણ , લક્ષોની પુષ્ટિ, નિર્ધારિત લક્ષો સિદ્ધ કેવીરીતે કરવા અને તેના માટે જરૂરી સાધનો ની ઓળખ, જરૂરી સાધનો નું વર્ગીકરણ, દરેક પ્રકાર ના ખર્ચ ની ગણતરી, બજેટખર્ચ, બીઝનેસમાં રહેલ જોખમની ઓળખ વગેરેનો સમાવેશ થાય છે.

આજના સમયમાં દરેક વ્યક્તિ વધુ માં વધુ નાણા કઈ રીતે કમાવવા તેની ફિરાક માં રહે છે, પણ નાણાની કમાણી બાદ એ નાણા નું કઈરીતે આયોજન કરવું અને એજ ફાજલ રૂપિયા (જો આવક સારી હોય તો) ને ચોક્કસ નાણાકીય instrument માં કઈ રીતે રોકાણ કરવું તેની સમજ ઓછી છે. અત્યારે બજારમાં મ્યુચલ ફંડ , સીપ, પોસ્ટ, વીમા જેવી પ્રોડક્ટ્સ હાજર છે.

“જો તમારી ઉમર નાની હોયતો અત્યારથી જ પોતાની કમાણીની રકમનો અમુક હિસ્સો બચત કરો જે તમને તમારી ભવિષ્યમાં વધુ મદદરૂપ સાબિત થશે”. આ વાક્ય દરેક ફાઈનાન્સિયલ પ્લાનરના મુખારવિંદમાંથી સંભાળવા મળશે. અમને પણ અમારા ભણતરમાં આ વાક્ય હથોડા મારી-મારીને અમારા મગજમાં ફીટ કરાવડાવ્યું છે.

હું જયારે ૧૮ વર્ષનો હતો ત્યારથી માર્કેટસાથે આડકતરી રીતે સંકળાયેલ છુ, અને એવી ઘણી સત્યઘટનાઓ છે જે મેં મારા વ્યવસાયમાં જોઈ છે અને એના અમુક અંશો તમને પછી ક્યારેક જણાવીશ. આમતો ઘણા લાંબા સમયથી બ્લોગીંગ બંધ હતું પણ હવે જે કંઈપણ પોસ્ટ લખીશ એ દરેકના માટે ઉપયોગી નીકળે એવો પ્રયત્ન કરીશ.

અત્યારે બસ આટલું જ,

અસ્તુ .